June 2023 | by Gaurang Darji

બિઝનેસની સફળતાનો સાચો સ્ટાર – બ્રેન્ડીંગ


આ પૃથ્વી ઉપર અબજો લોકો વસેલા છે અને દરેકનું કોઈ નામ છે. આપણે જેના સંપર્કમાં હોઈએ અથવા જે વ્યક્તિમાં રસ ધરાવતા હોઈએ તેવા લાખએક લોકોના નામ આપણા કાને અથડાતાં રહે છે. પરંતુ એ સર્વેમાં આપણને સતત યાદ રહી જાય તેવાં કેટલાં? જે પરિવારમાં છે, સ્નેહી છે, સહકર્મચારી છે તેવાં બાદ કરીએ તો આ સંખ્યા ત્રણ આંકડામાં આવીને ઉભી રહે. તમે વિચારો, અબજો નામ પૈકી ગણ્યા-ગાંઠ્યાં જ તમને યાદ રહી જાય છે. આ થવાનું કારણ શું? તમને જે નામો યાદ રહી જાય છે તેની સાથે તમારો કોઈ અનુભવ, લાગણી જોડાયેલા હશે, કોઈ ચોક્કસ કારણ હશે જેણે તમારા મનમાં અમીટ સ્થાન લઈ લીધું છે. આ ઘટનાનું નામ છે બ્રેન્ડીંગ! બરાબર આ જ રીતે પૃથ્વી ઉપર અસંખ્ય વસ્તુઓ અને સેવાઓ અબજો નામથી વેચાતી હશે પણ તમને એપલ, રોલ્સરોયસ, ટાટા, અમૂલ, સેમસંગ, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, ધોની જેવાં નામ સદાય જીભે હશે. તેનું કારણ છે કે આ બધા જ નામ સફળ બ્રેન્ડીંગનું ઉદાહરણ છે.

મને માર્કેટમાં નવા આવેલા કે સફળતાની સીડીના પગથીયાં ચઢવાની શરૂઆત કરી રહેલા ઘણાં ઉદ્યોગ સાહસિકો મળ્યાં છે જે એવું માનતા હતા કે તેમને બ્રેન્ડીંગની જરૂરીયાત નથી. તેમના એક્સક્યુઝીસ જાણવા જેવા છે. "મને તો એમ જ ઓર્ડર મળે છે, મારી પ્રોડક્ટ સ્ટ્રોંગ છે, મારો કોઈ કોમ્પીટીટર જ નથી, મારે ક્યાં સાબુ-શેમ્પુ વેચવા છે? મારે ગ્રાહક શોધવા નથી પડતાં - તે જ મને શોધતા આવે છે." આવાં સૌ માટે આગળના ફકરા બહુ અગત્યના છે.

સાવ સરળ શબ્દોમાં બ્રેન્ડીંગ એટલે ગ્રાહકના મનમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસ બાબતે ખાસ જગ્યા બનાવવી. મારૂતિ એટલે ઇકોનોમી, ટાટા એટલે વિશ્વાસ, ડવ એટલે સાબુથી વિશેષ, રિલાયન્સ એટલે ગ્રોથ. આમ કોઈ નામની સાથે ચોક્કસ અનુભવ, લાગણી, ચિત્ર, ખાસીયત કે વ્યક્તિત્વ જોડાય ત્યારે તે બ્રેન્ડ બની જાય છે. જેટલું સરળતાથી સમજાવ્યું એટલું સરળ નથી બ્રેન્ડ બનવું. ગ્રાહકના મનમાં જગ્યા બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને અનેક પાસાં ઉપર ધ્યાન આપવું પડે છે. સૌથી અગત્યના પાસાં છે. (1) ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે પ્રોડક્ટ આપવી (દા.ત. આઈબીએમનું પર્સનલ કમ્પ્યુટર) (2) સારી ગુણવત્તા સતત જાળવવી (દા.ત. એપલ) (3) યોગ્ય કિંમત (દા.ત. બોટ) (4) પ્રામાણિક વ્યવહાર (દા.ત. ટાટા) અને સૌથી અગત્યનું પરિબળ એટલે (5) પ્રોડક્ટ કે સર્વિસની છબી-ઈમેજ, જે બ્રેન્ડીંગથી બને છે.

બ્રેન્ડીંગમાં ઉંડા ઉતરવાની તમને ત્યારે જ મઝા આવશે, જ્યારે તમને તેના ફાયદા વિશે જાણ થાય. તો આ રહ્યું ફાયદાનું લીસ્ટ!

  1. પ્રોડક્ટ કે સર્વિસ બાબતે હકારાત્મકતા ઉભી થાય
  2. ગ્રાહક સંતોષ સાથે જોડાય
  3. ગ્રાહક અને કર્મચારી બંને ગર્વ અનુભવે
  4. સંસ્થા સારા ટેલેન્ટને આકર્ષિત કરી શકે
  5. સંસ્થા સારું નેટવર્ક ઉભું કરી શકે
  6. પ્રોડક્ટ કે સેવાના સારા ભાવ મેળવી શકાય અને સૌથી અગત્યનો ફાયદો
  7. વ્યક્તિ કે સંસ્થાનું રેપ્યુટેશન (પ્રતિષ્ઠા) વધે.

તો માનો છો ને કે તમારી બિઝનેસની સફળતાનો સાચો સ્ટાર છે, બ્રેન્ડીંગ!

સાત પગલાં બ્રેન્ડીંગના!

અગાઉ આપણે જાણ્યું હતું કે બિઝનેસની સફળતાનો સાચો સ્ટાર બ્રેન્ડીંગ છે. બ્રેન્ડીંગની જટીલ પ્રક્રિયાને અહીં સાત સરળ પગલામાં સમજાવી છે.

  1. આઈડેન્ટીટી - કંપનીનું નામ, લોગો, રંગ, ડિઝાઈન, ફોન્ટ્સ વગેરે કાળજીથી પસંદ કરવા. સાથે કંપનીની પોઝીશનીંગ લાઈન એવી હોવી જોઈએ જે થોડાં શબ્દોમાં કંપનીની હકારાત્મકતા છબી ઉભી કરે.
  2. આર્કિટેક્ચર - આઈડેન્ટીટી એવી બનાવવી જોઈએ કે જ્યારે કંપનીનું વિસ્તરણ થાય, નવી પ્રોડક્ટ્સ ઉમેરાય તો તે સરળતાથી તેમાં ભળી જાય અને એક સંપૂર્ણ બ્રેન્ડ ફેમિલિ બને.
  3. પર્પઝ - તમારું વ્યવસાયમાં હોવાનું કારણ શું ? તે જ છે તમારો બ્રેન્ડ પર્પઝ અને તેના આધારે જ બને છે તમારું વિઝન. યાદ રાખો, તમારા વ્યવસાયથી તમે શું મેળવશો તેના કરતાં વધુ અગત્યનું છે કે ગ્રાહકને શું મળશે.
  4. કલ્ચર - દરેક દેશ-પ્રદેશની એક સંસ્કૃતિ હોય છે જે તેના મૂલ્યોના આધારે બને છે. તેવી જ રીતે બ્રેન્ડજ પણ મૂલ્યો આધારિત હોવી જોઈએ અને બ્રેન્ડ સાથે જોડાયેલા દરેક લોકો તે મૂલ્યોનું પાલન કરતાં હોવા જોઈએ.
  5. વાતાવરણ - તમારું ધ્યાન હંમેશા ગ્રાહકની જરૂરીયાતો ઉપર હોવું જોઈએ, પ્રતિસ્પર્ધી ઉપર નહીં. હરીફાઈથી પ્રભાવિત થઈને લીધેલા નિર્ણ ખોટાં સાબિત થશે, ગ્રાહકના હિતને લઈને લીધેલા નિર્ણય ગ્રાહકની ખુશી માટે યોગ્ય વાતાવરણ ઉભું કરશે.
  6. ઈન્સાઇટ - વ્યાવસાયિક સફળતા માટે જરૂરી છે કે તમે ગ્રાહકના મનની વાત સાંભળો, જાતે જ સંવાદ કરીને ગ્રાહકની જરૂરીયાતને અનુરૂપ પ્રોડક્ટ, સેવા, કાર્ય પ્રણાલીમાં સુધારા કરતા રહો અને અમલમાં મૂકો.
  7. સબ્જેક્ટ એક્સપર્ટ - બ્રેન્ડીંગનું કામ એક વિશેષજ્ઞનું છે. તે કામ અનુભવી, મેચ્યોર, અનેક પરિમાણો ઉપર વિચાર કરી શકે તેવા વ્યક્તિ કે સંસ્થાને સોંપો.

સબ કે બસ કી બાત નહીં !

કોઈ પ્રોડક્ટ બનાવવી કે સેવા આપવી તે વિજ્ઞાન અને કળાના સમન્વય જેવું જ છે,જે સહુને સાધ્ય નથી. અને વાત જ્યારે સંસ્થાની કે બ્રેન્ડની ઈમેજ જેવી સંવેદનશીલ હોય ત્યારે જાતે પ્રયોગો કરવાનું ટાળવું જોઈએ. બે ઈન્ટર્ન્સ લોગો કે બ્રોશર બનાવે, ઘરનો શીખાઉ છોકરો સોશ્યલ મીડીયા ઉપર પોસ્ટ મુકે, આ પ્રકારની બ્રેન્ડીંગ તે નરી 'હારાકીરી' છે, બ્રેન્ડને સામે ચાલીને મારી નાંખવા સમાન છે. જે એક્સપર્ટ છે, જેને બ્રેન્ડીંગના દરેક પાસાનું જ્ઞાન છે, જે બ્રેન્ડના ગ્રોથનો એરિયલ વ્યૂ જોઈ શકે છે, જે બ્રેન્ડના એલિમેન્ટ્સ અને કમ્યુનિકેશનમાં સાતત્ય જાળવી શકે છે, બ્રેન્ડનું ભાવિ વિઝ્યુલાઈઝ કરી શકે છે અને ખાસ તો ગ્રાહકોના મન પારખી શકે છે તેને જ કામ સોંપવું જોઈએ. ધોની કેપ્ટન તરીકે શ્રેષ્ઠ છે, સારામાં સારો વિકેટ કિપર છે પરંતુ કઠીન પરિસ્થિતિમાં તે જાતે બોલીંગ કરવા તો નહીં જ આવે ને !

તો વ્યવસાયના દરેક પાસાં ઉપર શ્રેષ્ઠ ધ્યાન આપો છો તેમ બ્રેન્ડીંગ ઉપર પણ આપજો જ. તે જ તમારા બિઝનેસની સફળતાનો સાચો સ્ટાર છે.